ઈન્ફેકશનથી કેમ બચશો?

Dr Sankalp Vanzara
(M.D. – Internal Medicine)

ક્રિટીકલ કેર,  ગંભીર બીમારીઓ, અને ઈન્ફેકશનની સારવાર ના સ્પેસ્યાલીસ્ટ ફિઝિશિયન  

 

ઈન્ફેકશન એટલે આપણા શરીરમાં વાતાવરણના કે વાયરસ કે બેક્ટેરિયા પ્રવેશ કરીને જે બીમારી ઉભી કરે તેને ઈન્ફેક્શીયસ ડીઝીસ (Infectious Disease) અથવા ચેપી રોગ કહેવાય. આવા ચેપી રોગને સમયસર કાબુમાં ન લેવાય તો તબિયત સીરીયસ અને ક્રિટીકલ થઈ શકે છે, અને ઘણીવાર જીવન-મરણનો જંગ ખેલાય જાય છે. 

(૧) આપણા ગુજરાતમાં ઈન્ફેક્સન એટલે કે ચેપી રોગ કેવા પ્રચલિત છે? 
    ઈન્ફેકશન એ આપણા વિસ્તારમાં જાન લેવા બીમારીઓમાં અગ્રીમ સ્થાનમાં આવે છે. અલગ-અલગ વાઈરસ અને બેક્ટેરિયાના કારણે અલગ-અલગ નામથી જાણીતા ઘણા જાનલેવા ઈન્ફેકશન થતા હોય છે જેમ કે ચોમાસા પછી મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા વધારે જોવા મળે છે. ઠંડી ઋતુઓમાં સ્વાઈન ફ્લુ અને ન્યુમોનિયાના દર્દી વધી જાય છે. ગરમીની ઋતુમાં ટાયફોઈડ, ડાયેરિયા,હિપેટાઈટિસ, આંતરડાના ઈન્ફેકશન, વાઈરલ પેન્કીએયટીસ વગેરે વધારે પ્રમાણમાં થાય છે. આ બધા રોગોને જો સમયસર કાબુ કરવામાં ના આવે તો વ્યક્તિની હાલત ગંભીર થઈ શકે છે. 

    હમણાં Global Warming ને લીધે જેમ આપણે ઋતુઓ પણ મિક્સ થતી જોઈએ છીએ એમ  Covid-19 બાદ ના Post – Covid Era માં ચેપી રોગો પણ ઋતુઓ ના નિયમ નું પાલન કરતાં નથી અને આપણે દરેક પ્રકાર ના ચેપી રોગ દરેક ઋતુ માં જોવા માંડયા છીએ. એટલે જ હવે ખુબ જરૂરી છે કે આપણે ખુદ ને અને આપણા સ્નેહીઓ ને આવા ઈન્ફેકશન થી બચાવતા થઈએ. 


(૨) ઈન્ફેકશનથી બચવું શું કામ જરૂરી છે ?
    કોઈ પણ વાયરસ કે બેક્ટેરિયાને જો કોઈ રીતે શરીરમાં પ્રવેશ મળે, અને આપણું શરીર તેનો નાશ ના કરી શકે, તો તે વાયરસ આપણા શરીરમાં વૃદ્ધિ પામી, વિસ્તરી ને ફેલાઈ છે અને ઈન્ફેકશન તથા ઈન્ફેકશનનું અતિશય ગંભીર રૂપ ધારણ કરી શકે છે. ઈન્ફેકશન જો સમયસર કાબુ માં ન લેવાય તો  Organ Failure(અંગ નિષ્ફળતા) થઈ શકે જેને લીધે ICU માં સારવાર ની જરૂર પડી શકે, અને મૃત્યુ નું પણ જોખમ થઈ શકે... એટલે જ આ રોગોને શરૂઆતમાં જ કાબુ કરવા અથવા તેનાથી બચવું એ જ સમજદારીનું કામ છે. 
    આવી ઈન્ફેકશન વાળી બીમારી લાગે તો તુરંત આપ ના ફીઝીશ્યન/ક્રીટીકલ કેર ફિઝિશિયનની નીચે સારવાર લેવી ખુબ જરૂરી છે. 

(૩) ઈન્ફેકશન થી કઈ રીતે બચી શકાય ?
    ઈન્ફેકશન કરતાં વાયરસ કે બેક્ટેરિયા આપણા શરીરમાં પ્રવેશે જ નહી એ માટે આપણે ચોખ્ખાઈ એટલે કે HYGIENE ના સામાન્ય નિયમોનું વ્યવસ્થિત પાલન કરવું જોઈએ જેમ કે કે હાથ ધોવા, ચોખ્ખી પ્રદુષણ વગરની હવા વાળા વાતાવરણમાં જ રહેવું, ચોખું ફિલ્ટર કરેલું પાણી પીવું, વગેરે. ઉપરાંત માખી-મચ્છર-જીવાણુ ઉપર કંટ્રોલ કરવો વગેરે. આ ઉપરાંત વ્યવસ્થિત રાંધેલો કરેલો ખોરાક જ ખાવો, વાસી અને ઠંડો ખોરાક ન ખાવો, ઘરની બહારની કોઈ ખાદ્ય સામગ્રી ખાવી પડે તો આ વાત નું ખાસ ધ્યાન રાખવું જેમ કે આ ખાદ્ય ચીજ રાંધેલી હોવી જોઈએ. શેરડીનો રસ, લીંબુપાણી, ખુલ્લામાં પડેલા કાચા સલાડ કે ફ્રુટ ડીશ લેવામાં ઈન્ફેકશન થવાનું જોખમ હોય છે. 

    આવી સંપૂર્ણ કાળજી રાખવા છતાં ઘણા વાયરસ આપણને લાગી જાય એવું બને છે, પણ એ બધા વાયરસને આપણા શરીરમાં જ પ્રવેશતા જ ખતમ કરી શકાય એવી રોગ પ્રતિકારક શક્તિ આપણા શરીરમાં હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ જાળવવી અને વધારવી એ સૌથી મહત્વનું પરિબળ છે અને અતિ  જરૂરી છે.

(૪) રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે શું કરી શકાય?  
    સારો અને પોષ્ટિક આહાર લેવાથી શરીરનું કાર્યતંત્ર સકુશળ ચાલે છે, અને ચેપી તથા અન્ય કોઈ પણ રોગ સામે લડવાની ક્ષમતા એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધે છે.
    આ ઉપરાંત ઋતુ પ્રમાણે પણ ખોરાક માં ફેરફાર કરવા જોઈએ, જેમ કે ઠંડી ઋતુમાં ગરમ પીણા, રાબ, સુપ લેવાય તથા ગરમ ઋતુમાં જ્યુસ, છાસ, લીંબુપાણી લેવાય. 
    વ્યાયામ તથા યોગાસન નિયમિત કરવાથી શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ વધે છે અને આ પણ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
    રોગ પ્રતિકારક શક્તિને જાળવી રાખવા માટે આપના ડોક્ટરની સલાહ હોય તો અને તો જ અમુક દવા પણ લઈ શકાય.
    અલગ-અલગ ઈન્ફેક્સન સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વેક્સીન એટલે કે રસી આવતી હોય છે. જે આપના નિષ્ણાંત ડોક્ટર નાં માર્ગદર્શન પ્રમાણે લઈ શકો છો. 

(૪) વેક્સીન તો ફક્ત બાળકો માટે જ હોય છે ને?
    રસી ફક્ત બાળકો માટે જ હોય છે એ માન્યતા ખોટી છે અને જૂની છે. અત્યારે વયસ્ક લોકો માટે ઘણી બધી રસીઓ આવે છે કે જે ન્યુમોનિયા, સ્વાઈન ફ્લુ, ટાઈફોઇડ, મેનીન્જાયટીસ, હિપેટાઈટિસ, હર્પીસ, વગેરે ગંભીર ઈન્ફેકશનસામે સંરક્ષણ આપે છે. પરંતુ આ રસી દરેકે લેવાની જરૂર ન હોય તેથી આપને કઈ રસી લેવાથી ફાયદો થશે તે નક્કી કરવાનું હોય છે. દરેક વેક્સીન માટે અમુક ઉમર, અમુક પરીસ્થિતિ અને અમુક સમય માં ડોઝ આપવાનો હોય છે જે બાબતનું માર્ગદર્શન આપના સ્પેશિયલિસ્ટ ડોક્ટર આપી શકે.

(૫) આપણે એવું જોતા હોયએ કે મોટી ઉમરના સીનીયર સીટીજનો અને બીજી બીમારીઓથી પીડાતા વ્યક્તિઓમાં ઈન્ફેક્સન થવાનું જોખમ વધારે હોય છે તો એમને શું વધારાની કાળજી લેવી ? 
    જો આપને કોઈ બીમારી હોય જેમ કે ડાયાબીટીસ, કીડની, લીવરના રોગ, હૃદય-ફેફસાં નો રોગ કે બીજી કોઈ બીમારી તો તેની નિયમિત અને યોગ્ય સારવાર લેવી ખુબ જ જરૂરી છે. મોટા ભાગે ઈન્ફેકશનનો આવા બીમાર વ્યક્તિઓમાં વધુ ઝેરી અને ગંભીર સ્વરૂપ લે છે. જો કોઈ વ્યક્તિ ઈન્ફેકશનથી પીડાતું હોય તો તે વ્યક્તિનો ચેપ આપને ન લાગે તે માટેની સલાહ આપના ડોક્ટર પાસેથી અચૂક લેવી. આવી વ્યક્તિએ ચોખ્ખાઈને લગતા સામાન્ય નિયમોનું શીસ્તબધ પાલન કરવું જોઈએ. 


(૬) આટલી કાળજી રાખવા છતાં જો ઇન્ફેક્સન લાગે તો તેના લક્ષણો શું હોય છે? અને તેની સારવાર ક્યારે કરાય?
    તાવ, કળતર અને સુસ્તી/નબળાય એ કોઈપણ ઈન્ફેકશન વાળી બીમારીના મુખ્ય લક્ષણો છે આ ઉપરાંત માથું દુખવું, ઉલટી-જાળા, શરીર પર લાલ ચકામાં, કફ-શ્વાસ અને મગજ ઉપર અસર થવી તે આ બાબતમાં WARNING SIGNS છે.

    ઉપર મુજબની કાળજી રાખવા છતાં જો કોઈને ઈન્ફેકશનની બીમારી થાય અને તેના લક્ષણો આવે  તો તેની સારવાર લેવામાં જરા પણ વિલંબ કરવો ન જોઈએ કારણ કે સારવાર કરવામાં જેટલું મોડું થશે એટલો વધુ સમય વાયરસને શરીરમાં ફેલાયને ગંભીર રોગ ધારણ કરવા માટે મળશે. જેનાથી વ્યક્તિના અવયવો ખરાબ થઈ શકે જેને ઓર્ગન ફેલિયર કહે છે. અને ક્રિટીકલ કેર યુનિટમાં દાખલ કરવા પડે છે જે જોખમી, પીડાદાયક અને ખર્ચાળ રહે છે. 
    આથી કોઈ પણ બીમારીમાં યોગ્ય ડોક્ટરની સલાહ અને સારવાર લેવી જરૂરી છે. “Prevention is better than cure” એ ક્રિટીકલ બીમારીઓ માટે પણ એટલું જ સાચું છે.

(૭) લોકો થોડો તાવ આવે અને તુરંત મેડીકલ સ્ટોર માંથી કે જનરલ ડોક્ટર પાસે થી ANTIBIOTIC અને PAINKILLER લઈ લેતા હોય છે એ કેવુક સાચું છે? 
    PAINKILLERS અતિશય જોખમી દવાઓ હોય છે કારણ કે તેનાથી કીડની ઉપર અને PLATELET COUNT ઉપર અવળી અસર થાય છે અને ડેન્ગ્યું, મલેરિયા કે ચિકનગુનિયા જેવા ચેપી રોગમાં તો PAINKILLER લેવાથી તબિયત ખુબ બગડી શકે છે. એટલે તાવ આવે તો PAINKILLER ને બદલે વ્યક્તિએ ફક્ત PARACETAMOL લેવી જોઈએ અને તાવ ન મતે તો ડોક્ટરની સલાહ લઈને આગળ વધવું જોઈએ.

    ANTIBIOTIC એવી દવાઓ હોય છે કે જે અમુક ઈન્ફેકશનમાં જ કામ આવે છે અને વારંવાર ખોટી રીતે લેવાથી તેના પ્રત્યે RESISTANCE આવી જતું હોય છે જેથી તે કામ આવતી નથી. એટલે ANTIBIOTIC તો કોઈ QUALIFIED ડોક્ટર સમજી વિચારીને લખી આપે ત્યારે  જ લેવી જોઈએ. 


(ડો સંકલ્પ વણઝારા તે રાજકોટ ના સીનીયર ક્રીટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ અને ખુબ જ જાણીતા અને કુશળ કન્સલ્ટીંગ ફિઝિશિયન છે. તેઓ રાજકોટ સ્ટર્લીંગ હોસ્પીટલ ના ICU અને EMERGENCY DEPARTMENT  ના હેડ પણ છે.)